ગઝલનો અર્થફેરફાર કરો
મુહમ્મદ મુસ્તફાખાન મદ્દાહ સંપાદિત ઉર્દૂ હિન્દી શબ્દકોશમાં ગઝલનો અર્થ આ પ્રમાણે આપ્યો છે ગઝલ : (અરેબિક ) (સ્ત્રીલિંગ) : પ્રેમીકા સાથે વાર્તાલાપ, ઉર્દૂ–ફારસી કવિતાનો એક વિશેષ પ્રકાર જેમાં સામાન્ય રીતે પથી ૧૧ શેર હોય છે. તમામ શેર એક જ રદીફકાફિયામાં હોય છે. દરેક શેરોમાં વિષય અલગ હોય છે. પહેલા શેરને મત્લા કહે છે. છેલ્લા શેરને મક્તા કહે છે જેમાં શાયર પોતાનું ઉપનામ વણી લે છે. (૨૨) આ વર્ણનાત્મક વ્યાખ્યા એકંદરે સ્વીકાર્ય લાગે છે. પ્રિયતમાની સાથેની ગોષ્ઠિ અને રૂપનાં વખાણ જેવા સીમિત વિષયોમાથી શરૂ થયેલો કસીદાનો આ પેટાપ્રકાર આજે જ્યારે એના શાબ્દિક અર્થની સીમાઓને પાર કરી ચૂક્યો છે ત્યારે ગઝલને “ખાસ છંદોમાં લખાતું, વિશિષ્ટ સ્વરૂપ અને સ્વભાવ ઘરાવતું ઊર્મિકાવ્ય” ગણી શકાય. શેર : શેર શબ્દની ઊત્પત્તિ અરબી ભાષાના ‘શઉર’ શબ્દ પરથી થઈ છે, જેનો શાબ્દિક અર્થ છે જાણવું, (૨૩) શેરનો ઉચ્ચાર ‘શેઅર’ જેવો કરવામાં આવે છે. શેરનો સામાન્ય અર્થ જાણવા જેવી વાત એવો કરી શકાય. શેર ગઝલનો મૂળભૂત એકમ છે. ગઝલમાં દરેક શેર પોતે અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર હોય છે. અર્થાત કોઈ એક ગઝલનો ત્રીજો શેર સમજવા માટે બીજો કે ચોથો શેર વાંચવાની જરૂર ન પડવી જોઈએ. એક શેરમાં છેડેલી વાત એ જ શેરમાં સંપૂર્ણ થવી જોઈએ. એ રીતે શેર ગઝલનો અંશ હોવા છતાં પોતાની રીતે સ્વતંત્રતા એકમ છે.
એક ગઝલના અલગ અલગ શેરો અર્થની દૃષ્ટિએ એકબીજાથી સંબંધિત કે એકબીજા પર આધારિત હોવા જરૂરી નથી. એક ગઝલમાં આવેલા તમામ શેરો એક જ છંદમાં હોય અને રદીફ-કાફિયા જાળવીને લખાયા હોય, એટલું જ અનિવાર્ય છે. એમ કહી શકાય કે એક ગઝલના તમામ શેરો કોઈ એક ભાવ કે વિશેષ અર્થથી નહીં, પરંતુ છંદ, રદીફ અને કાફિયાથી જોડાયેલા હોય છે.
એક ગઝલના તમામ શેરોમાં ભાવસાતત્ય અનિવાર્ય નથી એટલું નોંધ્યા પછી ઉમેરવું જોઈએ કે ગઝલમાં ભાવસાતત્ય વર્જ્ય કે અસ્વીકાર્ય છે, એવું હરગિજ નથી. ખરેખર તો ભાવસાતત્યવાળી ગઝલો ઘણીવાર વધારે ઉચ્ચ રસાનુભૂતિ કરાવે છે. આ વાતની પ્રતીતિ પ્રકરણ- ૪માં સંદર્ભ તરીકે મૂકેલી ગઝલ-૬ ‘મળે ન મળે’ (પૃષ્ઠ-૧૫) વાંચવાથી થશે.
આ ગઝલ વાંચતાં અચૂક ખ્યાલ આવશે કે સમગ્ર ગઝલ કોઈ એક વિશેષ પ્રસંગે, વતનથી વિદાય લેતાં લખાયેલી હોવાથી સમગ્ર કૃતિમાં ભાવસાતત્ય છે, જે રસાનુભૂતિને સઘન બનાવે છે. સાથે-સાથે આ ગઝલનો દરેક શેર પોતાની જગ્યાએ, અર્થની દૃષ્ટિએ સ્વતંત્ર છે, એ પણ એટલું જ સાચું છે.
શેર બે પંક્તિઓનો બનેલો હોય છે. પંક્તિઓની લંબાઈ પસંદ કરેલા છંદ અનુસાર હોય છે. શેરની બે પંક્તિઓ અર્થની દૃષ્ટિએ એકબીજાની પૂરક હોય છે. ‘એક પંક્તિમાં દાવો હોય છે અને બીજી પંક્તિમાં દલીલ હોય છે.’ એવી પ્રચલિત સમજણ દરેક કિસ્સામાં સાચી નથી હોતી. એ ખરું કે ઘણા ચોટદાર શેરો તપાસતાં એમની સંરચનામાં દાવો અને દલીલની યોજના જોવા મળે છે, પરંતુ શેર રચવાની એ એકમાત્ર તરકીબ નથી. બે પંક્તિઓમાં વિવિધ અર્થછટા નિપજાવી તર્ક, સૌંદર્ય કે ઊર્મિની દૃષ્ટિએ એમની વચ્ચે વિવિધ પ્રકારનો સંબંધ રાખી શેર અનેક રીતે લખી શકાય છે. શાયરનાં સંવેદનશીલતા, ચતુરાઈ અને અભિવ્યક્તિકૌશલ્યના નિચોડરૂપે લખાતા શેર અસંખ્ય પ્રકારે લખી શકાય, શેર લખવાની તરકીબને વ્યાખ્યાના ચોકઠામાં બદ્ધ કરવાની કોઈ આવશ્યકતા જણાતી નથી.
સામાન્યત: શેર ગઝલના અંશરૂપે જ આવે છે, પરંતુ કદીક એવું બને કે કવિ એક શેર લખ્યા પછી બીજો શેર ન લખી શકે ત્યારે, જો એ એકમાત્ર શેર સાહિત્યિક દૃષ્ટિએ ઉચ્ચ મૂલ્ય ધરાવતો હોય તો એ ‘છૂટા શેર’ તરીકે પ્રસિદ્ધિ પામી શકે. ઘણી વાર સંપૂર્ણ ગઝલમાંથી પણ એકાદ શેર જ લોકપ્રિય થાય છે અને અવતરણ તરીકે એ જ વારંવાર ટાંકવામાં આવે છે. જેમ કે, ‘ઓજસ’ પાલનપુરીનો આ શેર :
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈઆંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ
આખી ગઝલમાંથી ઘણી વાર આવો એકાદ ચોટદાર શેર જ પોતાની અવતરણ-ક્ષમતાને કારણે પ્રસિદ્ધિ પામે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે કવિ પોતાની પસંદગી કે ઇચ્છાથી ‘છૂટો શેર’ નથી લખતો, એમ થઈ જાય છે. ગઝલની સંપૂર્ણ રસાનુભૂતિ માટે એક જ છંદ, રદીફ અને કાફિયા જાળવીને લખાયેલી અનેક શેરોવાળી ગઝલ જ વધુ સ્વીકાર્ય ગણાય. એકાદ છૂટો શેર નહીં, પરંતુ આખી ગઝલ જ શાયરની કવિત્વશક્તિની સાચી કસોટી છે.
શેર ઉપરથી જ ‘શાયર’ અને ‘મુશાયરો’ શબ્દ આવ્યા છે, એ દેખીતું છે. મુશાયરાનો અર્થ છે જ્ઞાનીઓની સભા, જેમાં બોલનાર અને સાંભળનાર બંને જ્ઞાની અથવા જ્ઞાનપિપાસુ હોય એ જરૂરી છે! આટલા વિવરણ પછી એટલું સમજી શકાયું હશે કે ભારતીય પરંપરામાં શ્ર્લોકની વિભાવના અરબી-ફારસીના શેરની ખૂબ નજીક બેસે છે. ફરક માત્ર રદીફ-કાફિયાની યોજનાનો છે. એમ કહી શકાય કે છંદ, રદીફ અને કાફિયાની એક દોરી પર ગૂંથેલાં અલગ અલગ પુષ્પો જેવી શેરોની પુષ્પમાળા એટલે જ ગઝલ.
No comments:
Post a Comment