જાપાનનો ઇતિહાસ
જાપાનના ઇતિહાસમાં જાપાનનાં દ્વીપો તથા જાપાનનાં લોકોના ઇતિહાસનો સમાવેશ થાય છે, જેમાં જાપાનના પ્રાચીન ઇતિહાસથી માંડીને રાષ્ટ્ર તરીકેનો ઇતિહાસ આવે છે. છેલ્લા હિમયુગ પછી ૧૨,૦૦૦ બી.સી ની આજુબાજુ, જાપાની દ્વીપસમૂહની સમૃદ્ધ પર્યાવરણ વ્યવસ્થાને લીધે માનવ વિકાસ અને વસવાટ શક્ય બન્યાં. જાપાનમાંથી મળી આવેલું સૌથી પહેલું કુંભારકામ જોમોન કાળમાં બનેલું હતું. જાપાન વિષેની સૌથી પહેલી લેખિત નોંધ ઈ.સ. પહેલી સદીની હાનની ચોપડી માંથી મળેલી સંક્ષિપ્ત માહિતીમાં મળે છે. જાપાનને સાંસ્કૃતિક અને પ્રાદેશિક રીતે પ્રભાવિત કરનારા દેશોમાં ચીન મુખ્ય છે.[૧]
વર્તમાન શાહી પરિવારનો છઠી સદીમાં ઉદ્ભવ થયો અને સૌથી પહેલા સ્થાયી તેમજ શાહી પાટનગરની સ્થાપના હેઇજો-ક્યો (હાલ નારા) માં ઈ.સ. ૭૧૦માં થઈ, જે આગળ ચાલીને બૌદ્ધ કલા, ધર્મ અને સંસ્કૃતિનું કેન્દ્ર બન્યું. બળવાન કેન્દ્રિય-શાસિત સરકારના વિકાસને લીધે હેઇઆન્-ક્યો (હાલના ક્યોતો) માં એક નવા શાહી પાટનગરની સ્થાપના થઈ, અને હેઇઆન કાળ શાસ્ત્રીય જાપાની સંસ્કૃતિના એક સોનેરી કાળ તરીકે ઓળખાય છે. ત્યારપછીની સદીઓ દરમ્યાન સત્તાધીશ સમ્રાટ અને સભાસદોની સત્તા ધીરે-ધીરે ઘટતી ગઈ અને એક સમયનું કન્દ્રીય-શાસિત રાજ્ય ભાંગી પડ્યું. ૧૫મી સદી સુધીમાં રાજકીય સત્તા સેંકડો સ્થાનિક "ડોમેન" (એકમો) માં વિભાજિત થઈ, જેમનું નિયંત્રણ સ્થાનિક "દાઇમ્યો" (સ્વામી, જાપાની: 大名) કરતાં. દરેક દાઇમ્યો પાસે પોતાના સામુરાઈ (જાપાની: 侍) ની સેના રહેતી. આંતર્યુદ્ધના એક લાંબા કાળ પછી તોકુગાવા ઇએયાસુએ જાપાનનું એકીકરણ પૂરું કર્યું, અને ઈ.સ ૧૬૦૩માં સમ્રાટ દ્વારા શોગુન બનાવવામાં આવ્યાં. તેઓએ કબ્જે કરેલી જમીનને પોતાનાં સમર્થકોમાં વહેંચી અને પોતાની "બાફુકુ" (અર્થાત "તંબુ સરકાર" અથવા લશ્કરી રાજ) ની એદો (હાલના ટોક્યો) માં સ્થાપના કરી, જયારે નામના શાસક, સમ્રાટે ક્યોતોના જૂના પાટનગરમાં રહેવાનું ચાલુ રાખ્યું. એદો કાળ સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહ્યો અને તે ગાળા દરમ્યાન જાપાને ખ્રિસ્તી મિશનોને કચડીને બહારની દુનિયાથી લગભગ સમ્પૂર્ણપણે સંપર્ક કાપી નાખ્યો.
ઈ.સ. ૧૮૬૦ના દાયકામાં શોગુનતનો અંત આવ્યો, સમ્રાટને સત્તા પાછી આપવામાં આવી અને મેઇજી યુગની શરૂઆત થઈ. નવા રાષ્ટ્રીય નેતાઓ પદ્ધતિસર સામંતવાદનો અંત લાવ્યાં. તેઓએ આખી દુનિયાથી વિખૂટા થઈ ગયેલા એક ટાપુ દેશને પશ્ચિમના મોડેલ પર આધારિત મહાસત્તા બનાવી. લોકશાહીનું સર્જન કરવું ઘણું અઘરું હતું, કેમ કે જાપાનની શક્તિશાળી સેના તે સમયે અર્ધ-સ્વતંત્ર હતી અને સામાન્ય નાગરિકોની વાત નામંજૂર કરી દેતી - ઈ.સ. ૧૯૨૦-૩૦ના દાયકા દરમ્યાન તો તે નાગરિકોને મારી પણ નાખતી. જાપાનના લશ્કરે ઈ.સ. ૧૯૩૧માં માંચુરિયા પર આક્રમણ કર્યું અને ઈ.સ. ૧૯૩૭માં ચીન સામે જાહેર યુદ્ધનું એલાન કર્યું. જાપાને ચીનના સમગ્ર દરિયાકાંઠા તથા મુખ્ય શહેરો પર કબ્જો મેળવી લીધો અને કઠપૂતળી શાસન સ્થાપિત કર્યું, તેમ છતાં ચીનને પરાસ્ત કરવામાં નિષ્ફળ રહ્યું. ડીસેમ્બર ૧૯૪૧માં પર્લ હાર્બર પરના હુમલાને કારણે તે અમેરિકા અને તેના મિત્ર દેશો સામે યુદ્ધમાં મુકાઈ ગયું. ઈ.સ. ૧૯૪૨ના મધ્ય સુધી ઘણા નૌકાયુદ્ધોમાં શ્રેણીબદ્ધ વિજય પામ્યા પછી જાપાનનું લશ્કર વધારે પડતું ખેંચાઈ ગયું અને તેનો ઔદ્યોગિક આધાર પૂરતા પ્રમાણમાં વહાણ, શસ્ત્ર અને તેલ પૂરા ન પાડી શક્યું. પોતાના નૌકાદળના ડૂબવા અને મુખ્ય શહેરોનો હવાઈ હુમલાઓ દ્વારા વિનાશ થવા છતાં લશ્કરે વળતી લડત આપી. પણ ઓગસ્ટ ૧૯૪૫માં હિરોશિમા અને નાગાસાકી પર થયેલા અણુ વિસ્ફોટો તેમજ સોવિયેતના આક્રમણે સમ્રાટ તથા લશ્કરને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કરી દીધું.
ઈ.સ. ૧૯૫૨ સુધી જાપાન અમેરિકાના કબ્જા હેઠળ રહ્યું. અમેરિકન સૈન્ય દળોની દેખરેખમાં એક નવા બંધારણની સંરચના થઈ જેના ઈ.સ ૧૯૪૭માં અમલમાં મુકાતા જાપાન એક સંસદીય રાજાશાહીમાં પરિવર્તન પામ્યું. ઈ.સ. ૧૯૫૫ પછી જાપાનનો ખુબ જ ઝડપથી આર્થિક વિકાસ થયો અને તે ખુબજ વિકસિત ઇન્ફ્રાસ્ટ્રકચર, ઉચ્ચ જીવન ધોરણ અને સૌથી લાંબું અપેક્ષિત આયુષ્ય ધરાવતું દુનિયાનું એક મુખ્ય આર્થિક ઊર્જાસ્રોત બની ગયું, ખાસ કરીને ઇજનેરી, ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક ક્ષેત્રોમાં. સમ્રાટ શોવાનું ઈ.સ. ૧૯૮૯માં દેહાંત થયું અને તેમના પુત્ર સમ્રાટ આકિહિતો ગાદી પર આવતા એક નવા યુગની શરૂઆત થઈ. ૧૯૯૦ના દાયકામાંની આર્થિક નિષ્ક્રિયતા જાપાન માટે ચિંતાનું મુખ્ય કારણ રહી છે. વર્ષ ૨૦૧૧માં આવેલા ભુકંપ અને ત્યારપછી ત્રાટકેલા સુનામીના લીધે ભારે આર્થિક અવ્યવસ્થા સર્જાઈ અને અણુશક્તિના પુરવઠાને ઘણું નુકસાન થયું.
No comments:
Post a Comment